બાળકોને વેકેશન પડી ગયું હશે તો બાળકોને આ વર્ષએ આઉટડોર ગેમ રમાડો અને તેમનામાં આત્મવિશ્વાસ વધારો.
બાળકોને સ્કૂલમાં ઉનાળાનું વેકેશન શરૂ થઈ ગયું છે અને તેઓ ધમાલ-મસ્તી અને સાથે-સાથે રમવાનું શરૂ કરી દીધું હશે. જો કે ઘણી વખત બાળક મસ્તી કરે ત્યારે માતા-પિતા તેમને બોલવાનુ અને પછી મારવાનું શરૂ કરી દેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, તમારુ બાળક જ્યારે બહાર રમવા જાય ત્યારે તેના મગજનો વિકાસ ખૂબ જ સારા એવા પ્રમાણમાં થાય છે. ખાસ કરીને જ્યારે તમારું બાળક ફૂટબોલ, ટેબલ-ટેનિસ અને બાસ્કેટ બોલ જેવી રમત રમે છે ત્યારે તેનો શારિરિક વિકાસ તો થાય છે પણ સાથે-સાથે માનસિક વિકાસ પણ ખૂબ જ સારા એેવા પ્રમાણમાં થાય છે. તો આજે જાણી લો તમે પણ આઉટડોર ગેમ્સ રમવાથી બાળકને થતા આ બેનિફિટ્સ વિશે.
1. વ્યક્તિત્વ નિખરે છે
ખેલ-કૂદ સાથે જોડાયેલી અનેક ગતિવિધિઓ બાળકના વ્યક્તિત્વને નિખારવામાં મદદ કરે છે. આમ, જો તમે તમારા બાળકને બહાર રમવા જવા દેશો તો તે સ્કૂલની સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં આનંદથી ભાગ લઇ શકે છે અને સાથે-સાથે બાળકનો માનસિક વિકાસ પણ સારા એવા પ્રમાણમાં થાય છે.
2. બીજાની સાથે વસ્તુઓ શેર કરવાની આદત પડે
સામાન્ય રીતે બાળકો એકબીજાના રમકડાનો ઉપયોગ કરતા હોય છે. તમને જાણીને નવાઇ લાગશે કે, જ્યારે તમારું બાળક બીજા બાળકની સાથે રમકડા શેર કરે છે ત્યારે તેનામાં બીજાને મદદ કરવાની ભાવના, નિયમોનું પાલન કરવાની ટેવ, સમ્માન કરવાની આદત જેવા અનેક પ્રકારના ગુણોનો વિકાસ થાય છે.
3. હાર સ્વિકારતા શીખે છે
કોઇ પણ રમત હોય એમાં બાળક કાં તો હારે છે અથવા જીતે છે. આમ, જો તમે તમારા બાળકોને આઉટડોર ગેમ્સ રમવાની આદત પાડો છો તો તે કોઇ પણ રમતમાં હાર થાય તો તેનો સામનો સરળતાથી કરી શકે છે. આ સાથે જ બાળક કોઇ પણ પરિસ્થિતિને સ્વિકારતા પણ શીખી જાય છે.
4. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
આઉટડોર ગેમ્સ જેવી કે, ખો-ખો, બેડમિન્ટન, ક્રિકેટ, ગિલ્લી ડંડા, ટેબલ-ટેનિસ, ફૂટબોલ, બાસ્કેટબોલ, વોલીબોલ તેમજ હોકી જેવી રમતો રમવાથી બાળક હેલ્ધી અને તદુંરસ્ત થાય છે. આ સાથે જ તે મજબૂત પણ થાય છે.
5. આત્મવિશ્વાસ વધે
આઉટડોર ગેમ્સ રમવાથી બાળકોનો આત્મવિશ્વાસ વધે છે. આ સાથે બાળક જ્યારે રમત રમતુ હોય ત્યારે પેરેન્ટ્સ, કોચ કે પછી આસપાસના લોકો તેમની કોશિશના વખાણ કરે ત્યારે આત્મવિશ્વાસમાં વધારો થાય છે. આમ, બાળકોમાં સેલ્ફ રિસપેક્ટ પણ વધે છે, જે આગળ જતા તેમને ખૂબ જ કામમાં આવે છે.
6. લક્ષ્યનો પીછો કરતા શીખે
રમત રમતી વખતે બાળકોને ગમે તેટલી તકલીફ પડે તો પણ તેઓ રમત રમવાનુ છોડતા નથી અને તેઓ છેલ્લા સમય સુધી જીતવાની કોશિશ કરે છે. આમ, ધીરે-ધીરે આ આદત તેમના વ્યક્તિત્વનો હિસ્સો બની જાય છે.