આ રીતે ઘરે બનાવો ગુલાબજળ, અને મેળવો ગરમીથી થતા અનેક સ્કિન પ્રોબ્લેમ્સમાંથી રાહત
કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઇ છે ત્યાં અનેક લોકોને સ્કિનને લગતા પ્રોબ્લેમ્સ શરૂ થવા લાગે છે. આ ગરમીથી બચવા લોકો જાતજાતના પ્રયોગો કરતા હોય છે. આ સાથે જ ગરમીથી બચવા માટે લોકો બહારની અનેક બ્યૂટી પ્રોડકટ્સનો પણ ઉપયોગ કરતા હોય છે. જો કે બહારની બ્યૂટી પ્રોડક્ટસથી ઘણી વખત સ્કિનને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થતુ હોય છે. આવામાં જો તમે આ ગરમીમાં ગુલાબજળનો યુઝ કરો છો તો તે તમારી સ્કિનને અનેક રીતે ફાયદો કરે છે અને બોડીમાં ઠંડક લાવવાનુ પણ કામ કરે છે. તો આજે જાણી લો તમે પણ ગુલાબજળના આ અનેક બેનિફિટ્સ વિશે.
– ગુલાબની સુગંધ મગજના તંતુઓને શાંત કરી દે છે.
– સ્પા કે સલૂનમાં ગુલાબની પાંદડીઓને દૂધમાં રાખીને મસળી નાખવામાં આવે છે. એમાં કેસર ઉમેરવામાં આવે છે. આ મિશ્રણની લૂગદી બનાવવામાં આવે છે. આ લૂગદીને ચહેરા પર ઘસવામાં આવે છે. એ ત્વચાની બધી જ બાહ્ય અશુદ્ધિને સાફ કરી નાખે છે. મોટા-મોટા સ્પામાં આ પ્રકારનો બ્રાઇડલ બાથ પણ આપવામાં આવતો હોય છે.
– ગુલાબજળમાં અડધું લીંબુ નિચોવીને પીવાથી પણ ફાયદો થાય છે.
– વેક્સ કર્યા બાદ ગુલાબજળ લગાવવાથી ખુલ્લાં છિદ્રો બંધ કરવામાં મદદ મળે છે. ચહેરા પર જેમને ખુલ્લાં છિદ્રોનો પ્રોબ્લેમ હોય તેમના માટે ગુલાબજળ બહુ સારું સાબિત થાય છે.
– ગુલાબજળમાંથી બનાવવામાં આવેલું પાણી ત્વચાને ફાયદાકારક નીવડે છે.
– ગુલાબજળ ત્વચાનું ક્લેન્ઝિંગ સારી રીતે કરી શકે છે. મોટા ભાગની બ્યુટિશ્યન તેમના મેકઅપ પહેલાં ગુલાબજળનો ઉપયોગ કરતી હોય છે.
– ઘણાની ત્વચા અમુક પાઉડરથી એલર્જિક હોય છે. એથી પાઉડરમાં વધુ ગુલાબજળનો ઉપયોગ કરી એને ચહેરા પર લગાવવામાં આવે છે. આ સિવાય ગુલાબજળ સેટિંગ માસ્ક તરીકે પણ બહુ જ ઉપયોગી છે. સેટિંગ માસ્ક એટલે કે મુલતાની માટીમાં મિક્સ કરીને લગાવવામાં આવે તો એ માટી ચહેરા પર બેસી જાય એ પ્રક્રિયાને સેટિંગ કહેવાય છે. આ સિવાય એકદમ દેશી નુસખો તો છે જ. રૂના પૂમડાને ગુલાબજળમાં બોળીને આંખ પર રાખવાથી બધી જ ગરમી શોષાઈ જાય છે. આમ પણ હવે ગરમી શરૂ થઈ રહી છે અને આંખ બળવાની સમસ્યાને દૂર કરવા ગુલાબજળ બેસ્ટ છે.
આ રીતે ઘરે બનાવો ગુલાબજળ
ગુલાબજળ બનાવવું બહુ જ સરળ છે. અડધું તપેલું પાણીનું ભરો. એના પર ચાળણી મૂકો. ચાળણીમાં તાજા ગુલાબની પાંદડી નાંખો. ફ્લાવર-શોપમાં કે ફેરિયા પાસે તાજાં ગુલાબ હોતાં નથી એટલે એના બદલે તમે ગુલાબને ઉગાડેલાં હોય ત્યાંથી જ એની પાંદડી તોડીને લઈને મૂકો તો અસર સારી રહે છે. રોઝ-પેટલને ચાળણીમાં મૂક્યા બાદ એના પર ડિશ ઢાંકી દો. દસથી 15 મિનિટ એને ધીમી આંચે ઊકળવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરો અને જે પરિસ્થિતિમાં છે એ જ પરિસ્થિતિમાં ઠંડું પડવા દો. એનાથી ફૂલોનો અર્ક ધીમે-ધીમે પાણીમાં જશે. એકદમ ઠંડું પડે એટલે સ્પ્રે-બોટલ કે નાની બોટલમાં ભરીને ફ્રિજમાં રાખી દો. તાજા ગુલાબજળનો ઉપયોગ કરવાથી એની ઇચ્છનીય અસર જોઈ શકાય છે.