કાળજી – દીકરી કરે એ કાળજી અને વહુ કરે એ ફરજ? આવો ભેદભાવ ક્યાં સુધી ચાલશે?

કાળજી

“અરે જવા દો ને, ગયા શુક્રવારે દાદરો ઉતરતી હતી તે લપસી, હાથ ભાંગ્યો છે, પ્લાસ્ટર આવ્યું છે હાથે” ફોન પર અનિલાબેન કોઈની સાથે વાત કરી રહ્યા હતા. ને સ્વરા એમની વહુ એમના વાળ ઓડી રહી હતી.

ફેક્ચર થયું તે દિવસથી રોજ જ આમ કોઈના ફોન આવે ને અનિલાબેન એમની રામકહાની સંભળાવે. ઘરમાં અનિલાબેન અને સ્વરા સિવાય અનિલાબેનના પતિ જયેશભાઇ, એમનો દીકરો  અનિકેત અને સ્વરા અને અનિકેટનો નાનકડો દીકરો જય રહેતા. દેખીતી રીતે તો સુખી કુટુંબ લાગે. સ્વરા ભણેલી ગણેલી હતી, લગ્ન પહેલા નોકરી કરતી હતી પણ લગ્ન બાદ એને પોતાના ઘર પરિવારની જવાબદારી સંભાળી લીધી.

ઘરની નાની નાની વસ્તુઓનું એ ખૂબ ધ્યાન રાખતી. ઘરના સભ્યોની પણ ખૂબ કાળજી લેતી. આખો દિવસ બધાની ઈચ્છાઓ પુરી કરવામાં ને કરવામાં સ્વરનો દિવસ ક્યાં વીતી જતો ખબર જ પડે. એમાંય જ્યારથી અનિલાબેનને ફેક્ચર આવ્યું ત્યારથી સ્વરાને માથે જવાબદારીઓ વધી ગઈ પણ એને જરા પણ મોઢું બગડ્યા વગર એ જવાબદારી સ્વીકારી લીધી.

સવારે ઉઠતાંવેંત ઘડિયાળના કાંટાની સાથે સ્વરા દોડવા લાગતી. અનિકેત અને જયનું ટિફિન કરતી. ઘરનું કામકાજ કરતી અને અનિલાબેનનું પણ એટલા જ હેતથી ધ્યાન રાખતી. એમને ભાવતી વાનગીઓ બનાવતી, હાથમાં ફેક્ચર હતું એટલે એના હાથે જમાડતી. અરે એટલું જ નહીં સવારે બ્રશ કરવા અને ન્હાવા માટે પણ હવે અનિલા બેન સ્વરા પર નિર્ભર હતા.

અનિલાબેનનું મિત્ર વર્તુળ ખૂબ મોટો એટલે ખબર જોવા આવનારના નાસ્તા પાણીનું પણ ધ્યાન રાખતી. અને અનિલા બેનના મોઢે પણ જાણે સ્વરાની માળા ચાલુ જ રહેતી. સ્વરા આમ કરજે તો….સ્વરા પાણી લાવ….સ્વરા આ માથું સરખું કરી આપને…સ્વરા મારી બહેનપણી આવવાની છે તો નાસ્તો બનાવી લેજે ને….સ્વરા એ ટીવીનું રિમોટ આપજે તો…સ્વરા આમ….સ્વરા તેમ…..અને સ્વરા  પણ દોડી દોડીને અનિલાબેનનો પડતો બોલ ઝીલી લેતી.

નાનકડા જયને રાત્રે સૂતી વખતે સ્વરા રોજ વાર્તા કરતી પણ આખા દિવસની ભાગદોડમાં થાકી જતી સ્વરા છેલ્લા અઠવાડિયાથી જયને વાર્તા કહ્યા વગર જ સુઈ જતી. નાનકડો જય વીલા મોઢે સુઈ જતો. પણ સ્વરા આ થાક ક્યારેય ઘરના કોઈપણ સભ્યને ખાસ કરીને અનિલાબેન ને વર્તાવા ન દેતી. અનિલાબેન નો ફોન હજી ચાલુ જ હતો. સ્વરાએ કસીને અનિલાબેનને ચોટલો વાળી આપ્યો ને રૂમની બહાર નીકળી ગઈ. હવે પછી થનારી ફોન પરની વાતોથી સ્વરા સંપૂર્ણપણે પરિચિત હતી. ફોનના સામે છેડેથી પુછાયું “ઘરના લોકો કાળજી તો લે છે ને તમારી?”

“હા, પણ સૌથી વધુ કાળજી તો મારી દીકરી લે છે મારી, દિવસમાં ત્રણ વાર ફોન કરીને ખબર અંતર પૂછે. મને જલ્દી સારું થઈ જાય એની એને બાધા ય રાખી છે. અને ઈન્ટરનેટ પર મને જલ્દી સારું થઈ જાય એના રસ્તા ય શોધતી હોય. મારી ચિંતામાં અડધી અડધી થઈ જાય બિચારી મારી દીકરી” “અને તમારી વહુ પણ તો તમારી કાળજી રાખતી હશે ને?” “હા તે રાખે જ ને…જાય ક્યાં…..ફરજમાં આવે છે એની તે કરવી જ પડે ને….એમા ક્યાં કઈ નવાઈ કરે છે”

સ્વરા રૂમના દરવાજે જ પહોંચી હતી..કદાચ એક અઠવાડિયામાં આવું એને સો વખત સાંભળ્યું હશે. તેમ છતાં એ હસતી હસતી ફરી બીજા દિવસે અનિલા બેનની એટલી જ કાળજી લેતી. સ્વરા દરવાજા પાસે સ્તબ્ધ ઉભી હતી ને ત્યાં જ નાનકડો જય આવીને બોલ્યો “મમ્મી તું મને પહેલાની જેમ વાર્તા કરીને ક્યારે સુવડાવીશ?” ને સ્વરાની આંખો ભીંજાઈ ગઈ.

લેખક : કોમલ રાઠોડ “અનિકા”

તમારા પ્રતિભાવ ખૂબ જ અમૂલ્ય છે. કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી આવી અવનવી વાર્તાઓ અમે તમને આપી શકીએ.

error: Content is protected !!