ફરજ ચૂક – ડોક્ટરની એક ભૂલ અને છીનવાઈ ગયું એક બાપનું આખું જીવન, દીકરો ગુમાવ્યો અને તો પણ.

ફરજ ચૂક

રાત્રી ના બે વાગી રહ્યા હતા. ચોમાસા ની એ રાત માં અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો. માટી ની મીઠી સુગંધ અને વરસાદ ના કારણે ઠંડક સમગ્ર વાતાવરણ માં પ્રસરી ગઈ હતી. ડૉ.સુભાસ એમની પત્ની સુનંદા બહેન સાથે એમના બેડરૂમ માં મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યાં જ ડૉ સુભાસ નો મોબાઈલ રણક્યો. બીજી જ રીંગે ડોકટરે ફોન ઊંચકી લીધો. સામે છેડે થયેલો સંવાદ સાંભળી ડૉ સુભાષ પોતાની પથારી માંથી ઉભા થઇ ગયા.

બાથરૂમ તરફ પગ વળ્યાં. પાણી ની એકાદ બે છાલક પોતાના મોઢે મારી ઘડીભર અરીસા માં પોતાની જાત ને નિહાળી રહ્યા હતા. બીજી જ ક્ષણે પોતાની જાત ને સ્વસ્થ કરતા એ બાથરૂમ માંથી બહાર નીકળ્યા. સુનંદા બેન ને શાંતિ થી સુતેલા જોઈ એમને ઉઠાડવા નો જીવ ન ચાલ્યો પણ એમને કહ્યા વગર જવાય એમ નહતું એટલે એમને કમને સુનંદા બેન ને ઉઠાડી ને કહ્યું

“સુનંદા, હું હોસ્પિટલ જઉં છું.” “અત્યારે?..રાત ના 2 વાગે…?” સુનંદા બેને ઊંઘમાં જ જવાબ આપ્યો “હા એક ઇમર્જન્સી છે..જવું પડે એમ છે.” ડૉ.સુભાષ એ જવાબ આપ્યો “પણ તમારી તબિયત….” “મારી તબિયત સારી જ છે. ચાલ હું નીકળું છું.” સુનંદા બેન ની વાત વચ્ચમાંથી જ કાપતા ડૉ સુભાષ બને એટલી ઝડપે રૂમ ની બહાર નીકળી ગયા.

કાર પોર્ચ માંથી પોતાની ગાડી કાઢી ડૉ સુભાષ પુરપાટ વેગે હોસ્પિટલ તરફ દોડ્યા.અને એથી ય વધુ પુરપાટ વેગ વિચારો એ પકડ્યો હતો. એમના માટે આ કઈ નવું ન હતું. જ્યારે જ્યારે એમને કોઈ ઇમરજેન્સી નો સામનો કરવાનો થતો એમના વિચારો એમના પર હાવી થવા લાગતા. છેલ્લા 20 વર્ષથી અવિરત પણે એક પણ ઇમરજન્સી કેસ ને જતો નહોતો કર્યો. અને એમની આ કાર્યશીલતા અને ધગશ ના કારણે હોસ્પિટલ મેનેજમેન્ટ એ એમને 70 વર્ષ ની ઉંમરે પણ પોતાના હોસ્પિટલ ના ડોકટર તરીકે નીમી રાખ્યા હતા.

ગાડી ના સ્ટેરિંગ પર આ ઉંમરે પણ કાબુ હતો પણ વિચારો ના વમળો વચ્ચે એ અસ્થિર થઈ રહ્યા હતા. 20 વર્ષ પહેલાં પોતાના એકના એક દીકરા નીરજ ના ધામધૂમ થી લગ્ન કરવા અને એની તૈયારી માં કઈ જ કસર ન રહે એ માટે પંદર દિવસ ની રજા પર ઉતરેલા ડો. સુભાષ એ દીકરા ના લગ્ન ખૂબ જ સારી રીતે પતાવ્યા. લગ્ન બાદ નો થાક ઉતારવા એકાદ બે દિવસ ની રજા લગ્ન પછી ના દિવસો માટે પણ ફાળવી હતી. લગ્ન શાંતિ થી પતાવી એ રાત્રે થાક ભરેલા શરીર અને હરખઘેલા મન સાથે પલંગ માં લંબાયા.

એકાદ જોકુ પણ આવી ગયું ત્યાં આવી જ એ મધરાતે હોસ્પિટલ માંથી આજ ની જેમ જ ફોન આવેલો. પોતાની ડોકટર ની ડીગ્રી પર એમને પહેલે થી ગુમાન એમાંય વળી શહેર ની સારી હોસ્પિટલ માં કાર્યરત હોવાથી એ ગુમાન બહોળાયેલું. ફોન ની રિંગ ને ઇગ્નોર કરી એ ફરી સુતા. ફરી પાછી ફોન ની રિંગ રણકી. પોતાની ઊંઘ માં ખલેલ પહોંચ્યા બદલ મનોમન અણગમો ઉતપન્ન થઈ ઉઠ્યો. કમને ફોન ઉપાડ્યો.

“સર એક ઇમરજન્સી છે. એક્સિડન્ટ નો કેસ છે. માથા ના ભાગ માંથી ખૂબ લોહી વહી ગયું છે. અત્યારે તમારી જરૂર છે.” “પણ હું તો રજા પર છું. ત્યાં હાજર ડોકટર ને જાણ કરો. દીકરા ના લગ્ન બાદ ની હજી ઘણી વિધિ બાકી છે. મારુ હમણાં આવવું અશક્ય છે” ડૉ. સુભાસ એ થોડા કડક શબ્દો માં જણાવી દીધું.

“સાહેબ આપ જલ્દી આવી જાવ. મારા એક ના એક દીકરા ને બચાવી લો” ફોન પાછળ થી એક વ્યક્તિ નો રડતો કકડતો અવાજ ડૉ સુભાષ ના કાને પડ્યો. પણ થાકેલા સુભાષ એ એ અવાજ ની પરવાહ ન કરતા જવાબ આપ્યો. “હમણાં તમે કેસ ને સાંભળી લો.સવારે હું આવી જઈશ એટલે આગળ ની ઈલાજ પ્રક્રિયા સંભાળી લઇશ” કહી ડૉ. સુભાષ એ સામે છેડે ની પ્રતિક્રિયા સાંભળ્યા વગર જ ફોન મૂકી દીધો..અને ડો. સુભાષ ઘસઘસાટ ઊંઘી ગયા.

બીજા દિવસે સવારે ફરી ફોન રણક્યો.એક બે કલાક માં આવું છું કહી ડૉ સુભાષ એ ફોન પતાવ્યો.આખરે બપોર પછી ડૉ. સુભાષ હોસ્પિટલ પહોંચ્યા. હોસ્પિટલ પહોંચતા વેંત જ લોબી માંથી અસહ્ય રોકકળ નો અવાજ આવી રહ્યો હતો. એક બાપ ના આક્રંદ થી આખું દવાખાનું જાણે સુન થઈ ગયું હતું. ડૉ સુભાષ ને જોતાવેંત જ ત્યાં ઉભેલા ટોળા એ એમનો કોલર જાલી લીધો.

“આજ છે એ ડોકટર જે સમય પર ન આવ્યો એટલે જ લાલુ એ જીવ ગુમાવ્યો” કહેતું ટોળું ડોકટર તરફ વધુ ને વધુ ધસી રહ્યું હતું. પણ સૌના આશ્ચર્ય વચ્ચે પેલા આક્રંદ કરતા વ્યક્તિ એ ટોળા ને રોકયું. માં વગર ના પોતાના 8 વર્ષ ના દીકરા લાલુ ને સમયસર સરખો ઈલાજ ન મળવા ને કારણે પોતાના વહાલસોયા ને ગુમાવવા નું દુઃખ એ બાપ ના આખા શરીર પર વર્તાઈ રહ્યું હતું.

“એ ડોકટર છે તો શું થયું એમની પણ એક અંગત જિંદગી છે. માફ કરજો ડોકટર સાહેબ આ લોકો આવેશ માં આવી ગયા. પણ હું જાણું છું કે જો કોઈ અગત્ય નું કામ ન હોય તો કોઈ પણ ડોકટર એની ફરજચુકે નહિ” પોતાના બાળક ના મૃતશરીર ને લઈ જતા એ બાપે ડૉ સુભાષ તરફ જોતા કહ્યું.

ડો.સુભાસ એક શબ્દ પણ ન બોલી શકયા. પોતાની ઊંઘ માં ખલેલ ન પહોંચે એ માટે આજે એમને કોઈની જિંદગી માં ખલેલ પહોંચાડી દીધા નો અફસોસ એમના ચહેરા પર જણાઈ રહ્યો હતો. એક પણ ફરિયાદ ન કરતો એ અભણ બાપ જાણે એમને પોતાના કરતા વધુ સમજદાર લાગવા લાગ્યો. એ નાનકડો મૃતદેહ જાણે એમને પોતાનો હત્યારો માનતો હોય એવું ડો. સુભાષએ ઘણીવાર અનુભવ્યું. ઘણીવાર એના સપના પણ આવતા.પણ એ દિવસ પછી ડો. સુભાષ નો ગુમાન તૂટી ગયો હતો. એ દિવસ બાદ એક પણ ઇમરજન્સી એમને જવા નહોતી દીધી.

ડૉ સુભાષ હોસ્પિટલ ના ગેટ પાસે પોતાની ગાડી પાર્ક કરી બને એટલી ઝડપે અંદર તરફ દોડ્યા. ઓપરેશન થિયેટર માં સઘળી તૈયારી થઈ ગઈ હતી. વર્ષો બાદ આજે ફરી એક 8 10 વર્ષ ના છોકરા નો એક્સિડન્ટ કેસ હતો.જેને માથા ના ભાગ માં ઘણી ઇજા થઇ હતી. વહેલીતકે સર્જરી ન થાય તો જીવ જોખમાય એમ હતું. પણ ભગવાન ની કૃપા વચ્ચે સઘળું સમુસુતરું પાર પડી ગયું. એ દીકરા ના માવતર ની આંખો માં હરખ ના આંસુ જોઈ ફરી એકવાર એમને લાલુ યાદ આવી ગયો. છાતી માં અસહ્ય દુખાવો થવો લાગ્યો. અને ડૉ.સુભાષ ત્યાં જ ઢળી પડ્યા.

“હાર્ટ એટેક નો આ ત્રીજો હુમલો છે…તબિયત ઘણી નાજુક છે..કઈ કહી શકવું મુશ્કેલ છે” ડો મિતાલી એ સુનંદા બેન ને ડો.સુભાષ ની સ્થિતિ અંગે જાણ કરી. સુનંદા બેન ડઘાઈ ગયા. ડૉ.સુભાષ ને મળવા ગયેલા સુનંદા બેનથી રડી પડાયું.

“જો આજે ઉપર પહોંચી ગયો તો લાલુ ની આંખ માં આંખ નાખી ને કહી શકીશ કે તને ન બચાવી શક્યો પણ તારા જેવા ઘણા ને બચાવી ને આવ્યો છું” સુનંદા બેન ના હાથ માં હાથ આપતા ડૉ.સુભાસ બોલ્યા “કેમ આવું બોલો છો” સુનંદા બેન બોલવા જ જતા હતા ત્યાં જ ડૉ સુભાષ નો હાથ વિલો પડી ગયો..એમનું પ્રાણ પંખેરૂ ઉડી ગયો..કાઈ બાકી હતું તો ચહેરા પર એ સંતોષ નું હાસ્ય.

લેખક : કોમલ રાઠોડ “અનિકા”

તમારા પ્રતિભાવ ખૂબ જ અમૂલ્ય છે. કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી આવી અવનવી વાર્તાઓ અમે તમને આપી શકીએ.

error: Content is protected !!